Blogger Widgets

Saturday, December 22, 2012

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે  મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.
 આદિલ મન્સૂરી

લટકવાનું


ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.
જીવનભર  કર્યું છે ને,
હવે અંતે  બળવાનું ?
ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !
બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું  ફળવાનું !
જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !
તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !
અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?
જનેતાએ  શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !
 વિનોદ ગાંધી

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી


મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ  માણસ ધંધાદારી છે.
જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.
કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતોતો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.
કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા  સમય ગજબની આરી છે.
કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા  તો વારાફરતી વારી છે.
નારાજ કહી દો  જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.
 ચંદ્રેશ મકવાણા
thank you