Blogger Widgets

Wednesday, December 19, 2012

ઓળખવા દે


બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે !
થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે !
પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે શબ્દસિંહાસન-
આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે !
સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે છે
રસ્તાના શતશત શેવાળી પથ્થરને તો ઓળખવા દે !
કોઈ જંગલી ઘાસફૂલ થઈ ભવભવ મળવાનું નિમંત્રણ
કબૂલ, પણ  વિરહવ્યથાના બંજરને તો ઓળખવા દે !
વલ્કલ અથવા ચર્મ પહેરી રણ-અરણ્યો ખેડું કિન્તુ
મળ્યું ચામડી નામે તે  વસ્તરને તો ઓળખવા દે !
હો મારું એકાન્ત અડીખમ, તુંય રહે તારામાં નિશ્ચલ,
પણ, પ્રથમ  હોહા કરતા લશ્કરને તો ઓળખવા દે !
બેઉ હથેળી માથે મૂકી છાયો કરવા ચાહે છે પણ-
હે મા ! ક્ષણભર આકાશી  છત્તરને તો ઓળખવા દે !
 સંજુ વાળા

No comments:

Post a Comment

thank you