Blogger Widgets

Friday, March 15, 2013

કવિતામાં લયનું મહત્વ


કવિતામાં લયનું મહત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. છંદશાસ્ત્ર આ લયના નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા ઉભી થતી હોવાનું કહે છે. 

કાવ્ય એ કાનની કળા છે. એ ફક્ત વાંચવાનો વિષય નથી. કાવ્યના પઠન દ્વારા કાનને જે મધુર અનુભવ થાય છે તે કાવ્યના શબ્દોની પસંદગી,એનો લય વગેરે દ્વારા થતા બાહ્ય ધ્વનિને કારણે હોઈ પઠન કાવ્યની મધુરતા વધારનારું બની રહે છે. એક જ કવિતાની પંક્તિ-પંક્તિએ અલગ અલગ લયનો અનુભવ પણ થતો હોય છે ! એને પામી કે ઓળખી શકાય તો કવિતાને આપણે સાચા અર્થમાં ઓળખવાનો આરંભ કર્યો ગણાય !

કવિના મનમાં ઉભરતો ભાવ જ્યારે અવતરવા મથે છે ત્યારે જ એ કોઈ લયને પસંદ કરી લે છે. કવિની અનુભૂતિ અભિક્યક્ત થવા પ્રવૃત્ત હોય છે ત્યારે જ એ ભાવને અનુરૂપ છંદની શોધ અને પસંદગી કરી લે છે !

છંદમાં ન હોય તેવા કાવ્યમાં પણ લય તો હોય જ છે,જે કાવ્યના સર્જનની સાથે પ્રગટતી ઘટના છે. એટલે સિધ્ધ કવિને છંદ કદી બંધનરૂપ લાગતો નથી.

છંદ : કાવ્યની પંક્તિમાં શબ્દોની પસંદગી જેમ એક વિશિષ્ટ લય આપે છે તેમ નિયત થયેલા છંદોની વ્યવસ્થા પણ આપોઆપ વિશેષ લયને જન્માવે છે..

જેમ વાક્યનું એકમ પદ/શબ્દ છે તેમ શબ્દનું એકમ અક્ષર ગણી શકાય. સ્વરની મદદથી અથવા કહો કે સ્વરના જોડાણથી જ વ્યંજનનું ઉચ્ચારણ કરી શકાય છે. આવા સ્વરયુક્ત વ્યંજનનો એક એકમ તે અક્ષર કે શ્રૃતિ.. છંદોમાં આ શ્રૃતિનું માપ કે એની લંબાઈને ગણતરીમાં લેવામાં આવે છે. જલદી ઉચ્ચારાતા અક્ષરોને લઘુ અને લાંબો ઉચ્ચાર માગતા અક્ષરોને ગુરુ કહેવાય છે.

દા.ત. અ અને આ; ક અને કો; સ અને સ: આ બંને ઉચ્ચારોના ભેદને લઘુ અને ગુરુ શબ્દથી ઓળખાય છે.

બારાક્ષરીમાંના અ, હ્રસ્વ ઇ; હ્રસ્વ ઉ;કોમળ અનુસ્વાર અને ઋ ; એટલા અક્ષરો લઘુ છે.જેની માત્રા એક ગણાય છે.
બાકીના આ;દીર્ઘ ઈ;દીર્ઘ ઊ; એ;ઐ;ઓ;ઔ;અં અને અ: આ બધા અક્ષ્રરો ગુરુ ગણાય છે.અને તેની માત્રા બે ગણાય છે.
___________________________________________________________________________

અક્ષરનાં બે સ્વરુપો છે
1.લઘુ = U ( ઉચ્ચારમાં એક તાલ)                              
2.ગુરૂ = _ ( ઉચ્ચારમાં વિસ્તૃત તાલ)

લઘુ અક્ષરો : હ્રસ્વ સ્વર, અ, ઇ, ઉ, ઋ તથા હ્રસ્વ સ્વરથી યુક્ત અક્ષરો લઘુ કહેવાય.
( ઉદાહરણ ક,કિ,કુ, કૃ, ર્ક.વિગેરે)

ગુરુ અક્ષરો : દીર્ઘ સ્વર, આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: તથા દીર્ઘ સ્વરથી યુક્ત અક્ષરોને ગુરુ કહેવાય છે.
(ઉદાહરણ કા, કી, કૂ, કે, કૈ, કૌ, કં, ક: વિગેરે)

ઉચ્ચાર સબંધી છુટ / નિયમો :
જોડાક્ષરની અગાઉ આવેલ લઘુ અક્ષર સાથે જો જોડાક્ષર્માંનો પ્રથમ અક્ષર બોલાય તો જોડાક્ષરની અગાઉ આવેલો લઘુ ગુરુ બની જતો હોય છે
( ઉદાહરણ અગમ્ય માં ‘ગ’ ની સાથે ‘મ’ બોલાતો હોવાથી ‘ગ’ ગુરુ થાય છે)

છેલ્લો અક્ષર ગુરુ ઉચ્ચારની દ્રષ્ટી એ હોય તો તેને લઘુ બનાવી શકાય છે.

છેલ્લો અક્ષર ગુરુ હોય તો છંદની જરુર પ્રમાણે તે લઘુ બની શકે છે.

 છંદ જે પંક્તિમાં હોય એ પંક્તિને છેડે આવેલો અક્ષર લઘુ હોય તો લઘુનો લોપ થઇ શકે. 

છુટા અક્ષરો જે શબ્દ સ્વરુપ હોય તેને ગુરુ હોવા છતા લઘુ બતાવી શકાય છે.
( અહીં ઉચ્ચારનાં નિયમો લાગુ ન પડતા હોવાથી તે છુટ છે)
_________________________________________________________________________

અ, ઇ, ઉ અને ઋ= લઘુ / હ્રસ્વ સ્વરો કહેવાય /
હ્રસ્વ સ્વરો+વ્યંજન પણ લઘુ અક્ષર થાય =ક, કિ, કુ ક્રુ, કૃ

આ, ઈ, ઊ, એ, ઐ, ઓ,ઔ(ં ઃ)=ગુરુ/દીર્ઘ સ્વરો કહેવાય/
દીર્ઘ સ્વરો+વ્યંજન પણ ગુરુ અક્ષર થાય =કા,કી,કૂ,કે,કૈ,કો,કૌ કં, કઃ

પ્ર, ક્ર, કૃ, ગ્ર, સ્વ, જ્ઞ=લઘુ/જોડાક્ષરો/સંયુક્ત-વ્યંજનો**/

પ્રકાર=લગાલ
ગ્રહણ=લલલ
પ્રત=લલ
ક્રમ=લલ
કૃપાળુ…લગાલ


**સંયુક્ત વ્યંજન જ્યારે શબ્દમાં બીજા ત્રીજા…ક્રમે વપરાય ત્યારે તેનો થડકાર આગળના અક્ષર પર આવે છેતેથી આ આગળના અક્ષરનો ઉચ્ચાર દીર્ઘ/ગુરુ અક્ષર જેવો થાય છે તેથી તે અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય છે.‘ભક્તિ’ શબ્દમાં બીજો અક્ષર ‘ક્તિ’ છે તેમાં સંયુક્ત વ્યંજન ‘ક્ત’ હ્રસ્વ સ્વર ઇ સાથે જોડાયો છે તેથી લઘુ અક્ષર ગણાશે

ભક્તિ શબ્દ જ્યારે બોલાય છે ત્યારે જોડાક્ષરનો થડકાર આગળના લઘુ અક્ષર ‘ભ’ પર આવે છે તેથી આ ‘ભ’નો ઉચ્ચાર દીર્ઘ એટલે કે ગુરુ અક્ષર જેવો થાય છે તેથી ભક્તિ શબ્દમાં ‘ભ’ લઘુ હોવા છતાં ગુરુ ગણાશે. આમ ‘ભક્તિ’ શબ્દનું લગાત્મક રૂપ ‘ગાલ’ થશે.


દૃષ્ટિ=ગાલ                 
શિષ્ટ=ગાલ               
પુષ્ટ=ગાલ                 
પ્રયત્ન=લગાલ   
દુર્ભાવ=ગાગાલસ
મિક્ષક=લગાલલ       
વિઘ્ન=ગાલ                       
વિજ્ઞાન=ગાગાલ      
દત્ત=ગાલ                              

કેટલાક શબ્દોમાં સંયુક્ત વ્યંજનનો થડકાર આગળના અક્ષર પર ઓછો આવે છે આવા શબ્દોમાં આગળનો અક્ષર લઘુ હોય તો પણ તે તેના પર આવતા ઓછા થડકારને કારણે લઘુ જ રહે છે.

પડ્યો=લગા   
જડ્યો=લગા    
વધ્યો=લગા    
ગળ્યું=લલ     
કર્યું=લલ       
શમ્યા=લગા

વિસર્ગ (:) સાથેનો લઘુ અક્ષર પણ ગુરુ ગણાય છે.

દુઃખ=ગાલ           
શાંતિઃ=ગાગા      
નિઃસંતાન=ગાગાગાલ        
અધઃપતન=લગાલલલ     
અંતતઃ=ગાલગા

અનુસ્વાર સાથે આવેલો લઘુ અક્ષર ગુરુ ગણાય છે- જો તે અનુસ્વાર ભાર દઇને બોલાતો હોય.

કંકુ=ગાલ             
પંકજ=ગાલલ     
ગંગા=ગાગા        
અંબર=ગાલલ     
ઉંમર=ગાલલ      
ઉમંગ=લગાલ  
સંમતિ=ગાલલ   
પતંગ=લગાલ    
કંસાર=ગાલલ     
મંગળ=ગાલલ

પરંતુ લઘુ અક્ષર સાથે આવેલો અનુસ્વાર હળવો બોલાતો હોય તો તે લઘુ અક્ષર જ ગણાય છે.

કહું=લલ        
જઉં=લલ             
બોલતું=ગાલલ    
મળ્યું=લલ          
સુંવાળી=લગાગા      
કુંવારી=લગાગા

અઇ, અઉ, આઇ, ઓઇ જેવા સ્વરજોડકા પંક્તિમાં આવે, તેમને સંયુક્ત દીર્ઘ સ્વર તરીકે ઉચ્ચારી શકાય છે.અઇ ને ઐ અને અઉને ઔ તરીકે પણ લખી શકાય છે.
તેમનું લગાત્મક રૂપ નીચે પ્રમાણે લખી શકાય છે

અઇ-ઐ=ગા    
અઉ-ઔ=ગા       
આઇ=ગા             
ઓઇ=ગા 

આજ પ્રમાણે

કઇ-કૈ=ગા 
કઉ-કૌ=ગા


બે લઘુ અક્ષર સાથે આવતા હોય ત્યારે તેમને એક ગુરુ તરીકે લઇ શકાય છે.

મમત=લલલ/લગા      
સમતા=લલગા/ગાગા   
ઉપર=લલલ/લગા      
અંદર=ગાલલ/ગાગા  
સૂરજ=ગાલલ/ગાગા        
સરવર=લલલલ/ગાગા  
અવઢવ=લલલલ/ગાગા  
મૃગજળ=લલલલ/ગાગા  
સગપણ=લલલલ/ગાગા        
અપહરણ=લલલલલ/ગાલગા

આ છૂટ માત્રામેળ છંદમાં લેવાય પરંતુ અક્ષરમેળ છંદમાં ના લેવાય.
__________________________________________________________________


ગણ :     ત્રણ અક્ષરનાં સમુહને ગણ કહે છે અને તે કુલ્લે આઠ પ્રકારનાં હોય છે

U _ _ _ U _ U U U _
ય મા તા રા જ ભા ન સ લ ગા

દરેક ગણનાં ત્રણ વર્ણનાં લઘુ ગુરુની વ્યવસ્થા યાદ રાખવા માટે ઉપરની પંક્તિના જે ગણ વિશે વાત કરવા માંગતા હોઇએ તે વર્ણ
અને તે પછીનાં બે અક્ષર લઇએ એટલે એ ગણ નાં લઘુ ગુરુ નક્કી થાય જે સ્વરુપ રચના નીચે મુજબ લખી શકાય

________________________________________________
ગણ નિશાની વર્ણ બંધારણ લગાત્મક રુપ
________________________________________________

‘ય’ U _ _ ય મા તા લઘુ ગુરુ ગુરુ લ ગા ગા
‘મ’ _ _ _ મા તા રા ગુરુ ગુરુ ગુરુ ગા ગા ગા
‘તા’ _ _ U તા રા જ ગુરુ ગુરુ લઘુ ગા ગા લ
‘રા’ _ U _ રા જ ભા ગુરુ લઘુ ગુરુ ગા લ ગા
‘જ’ U _U જ ભા ન લઘુ ગુરુ લઘુ લ ગા ગા
‘ભા’ _ U U ભા ન સ ગુરુ લઘુ લઘુ ગા લ લ
‘ન’ U U U ન સ લ લઘુ લઘુ લઘુ લ લ લ
‘સ’ U U _ સ લ ગા લઘુ લઘુ ગુરુ લ લ ગા
_______________________________________________________

આ ગણોમાં લઘુ ગુરુની એક સમતુલા છે જે છંદમાં લયની સમતુલા જાળવવામાં અને લયનું ચારુત્વ પ્રગટ કરવામાં સહાયરુપ બનતા હોય છે.

ઉદાહરણ અને કવાયતો

વિરાટ = U _ U
સંગીત = _ _ U ( સમ=ગુરુ)
હ્રદય = U _ ( ‘હ્ર’ ગુરુ હોવા છતા લઘુ છે અને ‘દય’ એક ઉચ્ચાર છે)
રમત = _ U ( ‘રમ’ સાથે બોલાય છે તેથી બે લઘુ હોવા છતા એક ગુરુ બને છે)
તમામ =U _ U
સમસ્ત =U _ U ( ‘મસ’સાથે બોલાય છે તેથી ગુરુ)
સમભાવ = _ _ U ( ‘સમ’ સાથે બોલાય છે તેથી તે ગુરુ)
સંભવ = _ _ ( ‘સમ’ અને ‘ભવ’ સાથે બોલાય છે તેથી તે બે ગુરુ_
ભવિષ્ય =U _ U ( ‘વિષ’ સાથે બોલાય છે)
હરદમ્ = _ _ ( ‘હર’ અને ‘દમ બે સાથે બોલાય છે)

____________________________________________________________________________

ગઝલ:

મત્લા     =ગઝલના પ્રથમ શે’રને મત્લા કહેવાય છે.
મકતા    =અંતિમ શે’રમાં કવિ પોતાના નામ/તખલ્લુસનો સમાવેશ કરે, તેને ‘મક્તા’ કહેવાય છે.
રદીફ     =પ્રત્યેક શે’રના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ.
કાફિયા =રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે કહેવાય છે.
બહર     =જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને ‘બહર’ કહેવાય છે.
ઉલા       =શે’રની પ્રથમ પંક્તિને ‘ઉલા’ કહેવાય છે.
સાની      =દ્વિતીય પંક્તિને ‘સાની’ કહેવાય છે.

ગઝલમાં સામાન્યત: પાંચથી ઓગણીસની સંખ્યામાં જ શે’ર હોવા જોઈએ.   

No comments:

Post a Comment

thank you